10
સૂત્રીય નીતિ જાહેર કરી : ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી અને IPL રમવા પર રોક
સિનિયર-જૂનિયર
તમામ ખેલાડી માટે ઘરેલુ ક્રિકેટ ફરજિયાત
મુંબઇ,
તા. 17: બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયામાં અનુશાસન, એકતા અને સકારાત્મક માહોલને પ્રોત્સાહન
આપવા અર્થે 10 સૂત્રીય નીતિ જાહેર કરી છે. જે અંતર્ગત હવેથી સિનિયર કે જૂનિયર ખેલાડી
બધા માટે ઘરેલુ ક્રિકેટ રમવું અનિવાર્ય રહેશે. આ ઉપરાંત વિદેશી પ્રવાસ દરમિયાન પરિવાર
અને અંગત સ્ટાફ માટેના નિયમ બનાવ્યા છે. સિરીઝ દરમિયાન ખેલાડી વ્યકિતગત રૂપે કોઇ પણ
વિજ્ઞાપન શૂટ કરી શકશે નહીં. નિયમનો ભંગ કરવા સબબ પ્રતિબંધ સહિતની કડક સજાનો સામનો
કરવો પડશે.
બીસીસીઆઇએ
જાહેર કર્યું છે કે 10 સૂત્રીય નિયમનું પાલન ન કરવા માટે ખેલાડીઓએ ગંભીર પરિણામ ભોગવવું
પડશે. જેમાં સેન્ટ્રલ કોન્ટ્રાકટની ફીમાં કાપ અને આઇપીએલ રમવા પર રોક પણ સામેલ છે.
ટી-20 વિશ્વ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાના સતત ખરાબ દેખાવ બાદ બીસીસીઆઈએ આ સખત પગલાં
લીધા છે. ટીમ ઇન્ડિયા ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 0-3થી ટેસ્ટ શ્રેણી હારી હતી અને ઓસ્ટ્રેલિયા
વિરુદ્ધ 1-3થી હારી 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવી હતી. ખેલાડીઓ વચ્ચે મતભેદની
પણ ખબર સામે આવી હતી. કોચ ગંભીર સાથે સિનિયર ખેલાડીઓનું લોબિંગ હોવાના પણ રિપોર્ટ હતા.
બીસીસીઆઇના
નવા નિયમ અનુસાર લાંબા વિદેશી પ્રવાસ દરમિયાન પરિવારને ફક્ત બે સપ્તાહ સાથે જ રાખી
શકશે. ટીમ અભ્યાસ વખતે ખેલાડીઓ અલગથી યાત્રા કરી શકશે નહીં, ટીમ બસમાં જ મુસાફરી કરવાની
રહેશે. આ ઉપરાંત દરેક ખેલાડીએ અભ્યાસ સત્ર દરમિયાન પૂરા સમય સુધી એ સ્થળે હાજર રહેવું
ફરજિયાત કરાયું છે. ખેલાડીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે વિદેશી પ્રવાસ દરમિયાન તેઓ
પોતાનો વ્યકિતગત સ્ટાફ સીમિત સંખ્યામાં રાખી શકશે અને તેના માટે અગાઉથી મંજૂરી લેવી
પડશે. પસંદગી સમિત જે છૂટ આપશે એ પછી કોઈ ઉમેરો થઇ શકશે નહીં.
બીસીસીઆઇના
10 સૂત્રીય નિયમની પીડીએફ કોપી સેન્ટ્રલ કોન્ટ્રાકટમાં સામેલ તમામ ખેલાડીઓને મોકલી
દેવામાં આવી છે. જે ખેલાડીઓને સહી સાથે સબમીટ કરવાની રહેશે. કરારમાં સામેલ ન હોય તેવા
ખેલાડી જયારે ટીમ ઇન્ડિયામાં પસંદ થશે ત્યારે તેમણે આ નિયમાવલી પર હસ્તાક્ષર કરવાના
રહેશે. આ નિયમ ઇન્ડિયા બી ટીમના પ્રવાસ વખતે પણ લાગુ થશે તેવું જાણવા મળે છે.