• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

હાર ટાળવા પાકિસ્તાનની દુઆ : ભારત એશિયા કપ મેચનો બહિષ્કાર કરે

પૂર્વ ખેલાડી બાસિત અલીનો સ્વીકાર

 

નવી દિલ્હી, તા.14: એશિયા કપ-202પ આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આ ટી-20 ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો ગ્રુપ સ્ટેજનો મેચ દુબઇમાં 14 સપ્ટેમ્બરે રમાવાનો છે. આ મુકાબલાને લઇને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ ભારતના ઘણા લોકો કહી રહ્યા છે કે ટીમ ઇન્ડિયાએ એશિયા કપના પાક. સામેના મેચનો બહિષ્કાર કરવો જોઇએ. બીજી તરફ પાકિસ્તાનનો પૂર્વ બેટધર બાસિત અલી ભારત સામેના મેચને લઇને પૂરી રીતે ડરી ગયો છે. તેણે પોતાના દેશની ટીમના હાલના કંગાળ પ્રદર્શનને નજરમાં રાખીને ભારતીય ટીમને અપીલ કરી છે કે તેઓ આ મેચ રમવાનો ઇનકાર કરી દે. જેથી પાક. ટીમ નાલેશીભર્યાં પરાજયમાંથી બચી જાય.

વેસ્ટ ઈન્ડિઝ સામેની કારમી હાર પછી બાસિત અલીએ આ માંગ કરી છે. પાક. સામે વિન્ડિઝનો 33 વર્ષમાં પહેલીવાર વન ડે શ્રેણી વિજય થયો હતો. બાસિત અલીનું માનવું છે કે એશિયા કપમાં ભારત સામે પાક. ટીમની હાર નિશ્ચિત સમાન છે. હું દુઆ કરું છું કે ભારતીય ટીમ રમવાનો ઇન્કાર કરી દે. એવું તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેંડસ વખતે કર્યું હતું. જો રમશો તો હવે ખરાબ રીતે હારશો કે વિચાર્યું પણ નહીં હોય.

ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-20 ફોર્મેટમાં 13 મેચમાં ટક્કર થઇ છે. જેમાં 10માં ભારતનો વિજય થયો છે. છેલ્લે બન્નેની ટક્કર 2024 વિશ્વ કપમાં અમેરિકામાં થઇ હતી. ત્યારે પાક. ટીમ 120 રનના સ્કોરનો પીછો કરવામાં નિષ્ફળ રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક