• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

US ઓપનમાં અપસેટ : કિઝ અને ક્રેસિકોવા આઉટ : અલ્કરાજ બીજા રાઉન્ડમાં 45 વર્ષીય વિનિસ વિલિયમ્સ પહેલા રાઉન્ડમાં હારી

ન્યૂયોર્ક, તા.26: યૂએસ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના બીજા દિવસે અપસેટ થયો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન અમેરિકાની અનુભવી ખેલાડી મેડિસન કિઝ પહેલા રાઉન્ડમાં બિન ક્રમાંકિત ખેલાડી સામે હારીને બહાર થઇ છે. બે વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન બારબોરા ક્રેસિકોવા પણ ઉલટફેરનો શિકાર બની છે. બીજી તરફ પુરુષ વિભાગના બીજા નંબરના ખેલાડી સ્પેનના સ્ટાર કાર્લોસ અલ્કરાજ આસાન વિજય સાથે બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે.

6 નંબરની ખેલાડી મેડિસન કિઝ સામે 82મા ક્રમની મેક્સિકન ખેલાડી રેનેટા જારાજુઆનો 6-7, 7-6 અને 7-પથી રોચક વિજય થયો હતો. કિસે 89 ભુલ કરી હતી અને 14 ડબલ ફોલ્ટ કર્યાં હતા. મહિલા વિભાગના પહેલા રાઉન્ડના અન્ય એક મેચમાં બે વખતની વિમ્બલ્ડન વિજેતા બારબોરા ક્રેસિકોવાનો કેનેડાની 18 વર્ષીય વિકી એમબોકો સામે પરાજય થયો હતો. એમબોકોએ 6-3 અને 6-2થી જીત મેળવી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી.

4પ વર્ષીય વિનસ વિલિયમ્સને પહેલા રાઉન્ડમાં હાર મળી હતી. તેણીને કેરોલિના મૂચોવાએ 6-3, 2-6 અને 6-1થી હાર આપી હતી. જ્યારે એલિના સ્વિતોલિનાએ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. બ્રાઝિલની નવોદિત ખેલાડી 19 વર્ષીય જોઓ ફોસેંકાએ યુએસ ઓપનના ડેબ્યૂ મેચમાં જીત સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

મેન્સ સિંગલ્સમાં સ્પેનના સ્ટાર કાર્લોસ અલ્કરાજનો અમેરિકી ખેલાડી રેલી ઓપેલ્કા વિરુદ્ધ 6-4, 7-પ અને 6-4થી વિજય થયો હતો. કેસ્પર રૂડે સેબેસ્ટિયન ઓફનરને 6-1, 7-6 અને 7-6થી હાર આપી આગળ વધ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક