સેમિફાઈનલમાં પહોંચવા માટે બન્ને ટીમ મેદાનમાં ઉતરશે ઃ પાકિસ્તાન માટે નેટ રનરેટ સુધારવી પણ જરૂરી
નવી
દિલ્હી, તા. 31 ઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 વિશ્વકપ 2026નો મહામુકાબલો રવિવારે
પહેલી ફેબ્રુઆરીના રોજ રમાવાનો છે. આ મેચ સેમીફાઈનલ પહેલા વર્ચ્યુઅલ નોકઆઉટ હશે. જેને
વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ પણ કહી શકાય તેમ છે. આ મેચમાં જીત નોંધાવનારી ટીમને સેમિફાઈનલની
ટિકિટ મળશે. ભારતને સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરવા મો માત્ર જીત નોંધાવવી પડશે જ્યારે
પાકિસ્તાને નોકઆઉટની ટિકિટ મેળવવા જીત સાથે નેટ રનરેટમાં પણ સુધારો કરવો પડશે. ઓસ્ટ્રેલિયા,
અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ પહેલા જ સેમીફાઈનલમાં પહોંચી ચુક્યા છે. તેવામાં માત્ર એક
જ જગ્યા ખાલી છે.
પાકિસ્તાનની
ટીમને મેચ પહેલા એક ઝટકો પણ લાગ્યો છે. જેમાં તૈયારી સમયે વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ
શયાન ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે. જેની પુષ્ટિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ
દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાન માટે ટૂર્નામેન્ટ અત્યારસુધી સારી રહી છે. ઈંગ્લેન્ડ
સામે હારથી શરૂઆત કરી હતી પણ સતત મેચ જીતીને હેટ્રિક કરી છે. ગયા મુકાબલામાં પાકિસ્તાને
ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. જો કે ઈંગ્લેન્ડ સામેની હાર હજી પણ વિઘ્ન બની રહી છે.
જો
ભારતીય અંડર-19 ટીમ પાકિસ્તાનને હરાવે તો પાક. ટીમ સીધી ટૂર્નામેન્ટની બહાર થઈ જશે.
પછી નેટ રનરેટનો સવાલ રહેશે નહીં. ભારતે સેમિફાઈનલમાં પહોંચવા વધારે મહેનત કરવી પડે
તેમ નથી. આઈસીસી અંડર-19 વિશ્વકપમાં અત્યારસુધીનું ભારતનું અભિયાન શાનદાર રહ્યું છે.
ગ્રુપ સ્ટેજમાં તમામ મેચ જીત્યા બાદ સુપર-6 રાઉન્ડના પહેલા મેચમાં ઝિમ્બાબ્વેને મોટા
અંતરે હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રા જેવા ખેલાડીઓના
દમ ઉપર પાકિસ્તાનને ટક્કર આપવાની તૈયારીમાં છે.