• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ચીની વાયરસની ભારતમાં ઘૂસણખોરી

- HMPV વાયરસથી કર્ણાટકમાં 2 અને ગુજરાતમાં 1 બાળક સંક્રમિત : અમદાવાદમાં રાજસ્થાની બાળકમાં સંક્રમણની પુષ્ટિ થઈ ગઈ હતી 26મી ડિસેમ્બરે, હોસ્પિટલે મોડી જાણ કરી : દેશ એલર્ટ, અનેક રાજ્યોમાં એડ્વાઈઝરી જારી

 

નવી દિલ્હી/અમદાવાદ, તા.6: દુનિયામાં નવેસરથી કોરોના જેવો હાઉ પેદા કરનાર અને ચીનમાં ઝડપભેર ફેલાઈ રહેલા હ્યૂમન મેટાન્યૂમો વાયરસે(એમએમપીવી)હવે ભારતમાં પણ પગપેસારો કરી લીધો છે. જેમાં કર્ણાટકમાં બે બાળકો પછી ગુજરાતમાં પણ બે માસનાં એક કુમળું બાળક આ ખતરનાક વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થતાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજે સત્તાવાર રીતે પહેલો કેસ કર્ણાટકનો નોંધાયો હતો પણ વાસ્તવમાં પહેલો કેસ ગુજરાતમાં જ સામે આવી ગયો હતો. અમદાવાદમાં બાળકમાં આવેલા એચએમપીવી પોઝિટિવની પુષ્ટિ તો ગત 26મી ડિસેમ્બરે જ થઈ હતી પણ હોસ્પિટલ તરફથી આની જાણ મોડી કરવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ(આઈસીએમઆર) દ્વારા કર્ણાટકમાં બે પોઝિટિવ કેસની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં એક ત્રણ માસની બાળકી અને આઠ માસનાં બાળકનો સમાવેશ થાય છે. આટલું જ નહીં ગુજરાતમાં પણ એક બે વર્ષનાં બાળકમાં આ સંક્રમણ જોવા મળતાં ગુજરાતભરમાં સ્વાસ્થ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે. કર્ણાટક અને ગુજરાતમાં એચએમપી વાયરસનાં કેસ મળી આવ્યા બાદ સમગ્ર દેશમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

ચીનમાં છેલ્લા કેટલાક સમયથી આ ખતરનાક સંક્રામક વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને તેનાથી મોટાપાયે લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાનાં સમાચારો આવી રહ્યાં છે. જેને પગલે ભારતમાં પણ સ્વાસ્થ્ય મંત્રાલયે ચાંપતું નિરીક્ષણ શરૂ કરી દીધું હતું. હવે દેશમાં સત્તાવાર રીતે આ ચેપી રોગચાળાનાં કેસોની પુષ્ટિ થઈ જતાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ  સહિતનાં અનેક રાજ્યો દ્વારા એડ્વાઈઝરી અને એલર્ટ જારી કરવામાં આવ્યા છે.

કર્ણાટકમાં બેંગ્લુરુની બેપટિસ્ટ હોસ્પિટલમાં ત્રણ મહિનાની એક બાળકીને બ્રોન્કોન્યૂમોનિયાની બીમારીનાં કારણે દાખલ કરવામાં આવી હતી. હવે તેને એચએમપી વાયરસનું સંક્રમણ પણ હોવાનું નિદાન થયું છે. આ હોસ્પિટલમાં જ અન્ય એક આઠ માસનાં બાળકમાં પણ આ સંક્રમણ જોવા મળ્યું છે. તેનું સેમ્પલ 3 જાન્યુઆરીનાં રોજ લેવામાં આવ્યું હતું અને તે પોઝિટિવ આવ્યું છે. આ બન્ને બાળકો અને તેનાં પરિજનોનું કોઈ આંતરરાષ્ટ્રીય મુસાફરીનો ઈતિહાસ નથી. તેમ છતાં સંક્રમિત જણાતાં ભારતમાં પણ આ રોગચાળાએ અગાઉથી જ પગપેસારો કરી લીધો હોવાની દહેશત ફેલાઈ ગઈ છે. કર્ણાટકની સરકારે તાબડતોબ ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર યોજીને સંક્રમણને ફેલાતું રોકવાનાં ઉપાયોની ચર્ચા કરી હતી. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જે કોઈપણ નિર્ણય કરવામાં આવે તેને લાગુ કરવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રતિબદ્ધતા બતાવી હતી.

અમદાવાદ નગર નિગમનાં સ્વાસ્થ્ય પ્રભારી ચિકિત્સા અધિકારી ભાવિન સોલંકીનાં જણાવ્યા અનુસાર રાજસ્થાનનાં ડુંગરપુરનાં રહેવાસી શિશુને શ્વસન સંબંધિત સંક્રમણનાં લક્ષણો સાથે ગત 24 ડિસેમ્બરનાં રોજ અમદાવાદનાં ચાંદખેડા સ્થિત હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યું હતું. તેનાં પરીક્ષણો પછી તે એચએમપી પોઝિટિવ જણાયું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાને કારણે તેની તબિયત લથડતા તેને અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ નામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. બાળકને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખ્યું હતું. જ્યાં તેનો રિપોર્ટ ઇંખઙટ હોવાનું સામે આવ્યું હતું. બાળકની તબિયત હાલ સ્થિર છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “આ બાળકને 24 ડિસેમ્બરે દાખલ કરાયું હતું. 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ આવ્યો હતો પરંતુ આ અંગે હોસ્પિટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ જ નહોતી કરી. તેથી હવે હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવશે.

દેશમાં સતર્કતા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર એચએમપીવી અગાઉથી જ ભારત સહિત દુનિયાભરમાં પ્રચલનમાં છે. તેની સાથે સંબંધિત શ્વસનની બીમારીઓનાં કેસ અનેક દેશોમાં સામે આવેલા છે. આઈસીએમઆર અને એકીકૃત રોગ નિરીક્ષણ કાર્યક્રમ(આઈડીએસપી) નેટવર્કનાં તાજા આંકડા અનુસાર દેશમાં ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારી કે તીવ્ર શ્વસન સંબંધિત તકલીફમાં કોઈ અસમાન્ય ઉછાળો આવ્યો નથી. તેમ છતાં સ્થિતિ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આઈસીએમઆર આખું વર્ષ એચએમપીવી પ્રચલનનાં પ્રવાહ ઉપર નજર રાખવાનું ચાલુ રાખશે. જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(હુ) દ્વારા ચીનમાં કરવામાં આવી રહેલા ઉપાયોની જાણકારી પણ આપવામાં આવી રહી છે. જેને પગલે ભારતમાં તમામ સ્વાસ્થ્ય એકમોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક