બીજાપુર, તા. 6 : છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોના કાફલા ઉપર નક્સવાદીઓ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આઠ જવાન સહિત એક નાગરીક ડ્રાઇવર શહીદ થયા છે. વાહનમાં ડીઆરજી અથવા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાન સવાર હતા. જેઓને નિશાન બનાવીને નક્સલીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. કહેવાય છે કે સેનાનો કાફલો નજીક આવતા જ વિસ્ફોટક ભરેલાં વાહનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ખતરનાક હતો કે વિસ્ફોટની જગ્યાએ મોટો ખાડો પડી ગયો હતો અને જવાનોની સ્કોર્પિયો કારના ફુરચા ઉડી ગયા હતા. તમામ જવાનો ત્રણ દિવસના એન્ટી નક્સલ ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા. આ બનાવ અંગે અમિત શાહ દ્વારા પણ દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને નક્સલવાદના ખાત્માની વાત દોહરાવી હતી.
સુરક્ષા
દળો ઉપર નક્સલીઓનો હુમલો એવા સમયે થયો છે જ્યારે એન્ટી નક્સલ ઓપરેશન ચાલી રહ્યું છે.
હકીકતમાં બીજાપુરમાં સુરક્ષા દળની ટીમ પોતાનું ઓપરેશન પૂરું કરીને પરત ફરી રહી હતી.
જવાનોની ટીમ કુટરુના અંબેલી ગામ નજીક પહોંચી હતી ત્યારે કુટરુ-બેદ્રે રોડ ઉપર હુમલો
થયો હતો. છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આઇઇડી બ્લાસ્ટમાં 8 જવાન સહિત એક
વાહન ચાલકના શહીદ હોવાના અહેવાલ દુખદ છે. બસ્તરમાં નક્સલવાદનો ખાત્મો થઈ રહ્યો હોવાથી
નક્સલીઓ હતાશ છે અને આવા કાયરતાપૂર્ણ હુમલા કરી રહ્યા છે. જો કે જવાનોની શહીદી વ્યર્થ
જશે નહી.
બસ્તર
રેંગના પોલીસ ઇન્સપેક્ટર જનરલ સુંદરરાજ પીએ કહ્યું હતું કે, આ ઘટના એવા સમયે બની હતી
જ્યારે કુટરુના અંબેલી ગામ પાસે સુરક્ષા કર્મચારી નક્સલ વિરોધી અભિયાન બાદ પોતાના સ્કોર્પિયો
વાહનથી પરત ફરી રહ્યા હતા. ડીઆરજી રાજ્ય પોલીસનું જ એક એકમ છે અને આ બે વર્ષમાં સુરક્ષા
દળો ઉપર થયેલો સૌથી મોટો હુમલો છે. એક અધિકારીના કહેવા પ્રમાણે 26 એપ્રિલ, 2023ના દંતેવાડા
જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓને લઈ જઈ રહેલા એક કાફલાના વાહનને નક્સલીઓએ ઉડાવી દીધું
હતું. જેમાં 10 પોલીસ કર્મચારી અને એક ડ્રાઇવરે જીવ ગુમાવ્યો હતો.