- બજારમાં 10.83 લાખ કરોડ રૂપિયાનું રોકાણ સ્વાહા : નવા વાયરસનાં ખતરા અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે અફરાતફરી
મુંબઈ,
તા.6: કોરોના સમાન નવા એચએમપીવી વાયરસનો ભારતમાં પગપેસારો, ત્રિમાસિક પરિણામો અંગે
વધેલી આશંકાઓ અને કમજોર વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય શેરબજારને લોહીલુહાણ કરતી અફરાતફરી
મચી ગઈ હતી. ચોતરફી વેચવાલીમાં સેન્સેક્સ 12પ8 અને નિફ્ટી 388 પોઈન્ટનું ગોથું ખાઈ
ગયા હતાં. જેને પગલે સેન્સેક્સ આજે 77964 અને નિફ્ટી 23616નાં સ્તરે બંધ આવ્યા હતાં.
આજનાં ભારે ઘટાડાનાં પગલે રોકાણકારોનાં 10.83 લાખ કરોડ રૂપિયાનો સફાયો થઈ ગયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટી સીવાય બ્રોડર માર્કેટની વાત કરવામાં આવે તો બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ
2.44 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.17 ટકા જેટલા ગગડી ગયા હતાં. આજે બીએસઈનાં તમામ ક્ષેત્રીય
સૂચકઆંકો રક્તરંજિત થઈ ને બંધ આવ્યા હતાં. જેમાં સૌથી મોટા ગાબડાં યુટિલિટી, મેટલ,
રિયલ્ટી, પાવર અને ઓઈલ ક્ષેત્રમાં જોવા મળી હતી.
બીએસઈમાં
નોંધાયેલી કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ આજે 449.78માંથી ઘટીને 439.03 લાખ કરોડ રૂપિયા
ઉપર આવી ગયું હતું. સેન્સેક્સનાં ત્રણ શેરને બાદ કરતાં બાકીનાં તમામ 27 શેરમાં વેચવાલી
ફાટી નીકળી હતી. આમાં પણ તાતા સ્ટીલ 4.41 ટકાનાં તોતિંગ ઘટાડા સાથે સૌથી વધુ નુકસાનીમાં
દેખાયો હતો. જ્યારે એનટીપીસી, કોટક મહિન્દ્રા બેન્ક, પાવર ગ્રિડ અને ઝોમેટોનાં શેરો
પણ 2.9પ ટકાથી 3.6પ ટકા જેટલા તૂટી ગયા હતાં. જે ત્રણ શેરોનાં ભાવ આજે ભયાનક મંદી વચ્ચે
પણ હરિયાળી બતાવતા હતાં તેમાં ટાઈટન, એચસીએલ અને સનફાર્માનો સમાવેશ થાય છે. જો કે તેમાં
નોંધાયેલી તેજી એકંદરે મામૂલી હતી.