• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

વિંછીયામાં હત્યારોઓનું સરઘસ જોવા ઉમટેલા ટોળાનો પથ્થરમારો : પોલીસનો લાઠીચાર્જ

પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસ છોડયા

જસદણ, તા.6 : વીછીયાના થોરીયાળી ગામે ઘનશ્યામ રાજપરા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે સૂત્રધાર સહિતના હત્યારાઓને ઝડપી લીધા હતા. આ બનાવના પગલે મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા પોલીસ મથકે હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી ટોળુ એકત્રિત થયું હતું.

દરમિયાન  પોલીસે હત્યારાઓનું સરઘસ કાઢી બનાવ કેવી રીતે બન્યો હતો. તે રીહર્સલ કરાવવા માટેની કામગીરીની ચર્ચા કરતા હતા. ત્યારે હત્યારાઓને જોવા માટેથી વીછીયા પંથકમાંથી ત્રણથી ચાર હજાર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરતા મામલો બીચકયો હતો અને પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી હતી અને પોલીસ પર પથ્થરમારો થતા પોલીસે ટીયરગેસના સેલ છોડયા હતા.

આ બનાવના પગલે જીલ્લાભરમાંથી પોલીસ કાફલો દોડી ગયો હતો અને સમગ્ર પંથકમાં સતત પેટ્રોલીંગ શરૂ કરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવના પગલે કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાએ તેના સમાજ સહિત તમામ સમાજને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક