મચૈલ
માતા યાત્રા માર્ગમાં લંગર અને તંબુ આવ્યા ભયાનક પુરની ચપેટમાં : રસ્તો ધોવાઈ જતાં
બચાવકાર્યમાં અવરોધ, 200 લાપતા, 120 ઘાયલ, 50ને ઉગારી લેવાયા
હિમાચલનાં
ત્રણ જિલ્લામાં પણ વાદળ ફાટતા ભારે તબાહી, રાજ્યનાં 300થી વધુ માર્ગો કરાયા બંધ : હજી
વધુ વરસાદની ચેતવણી
નવીદિલ્હી,
તા.14: ઉત્તર ભારતમાં ચોમાસાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. પહાડી પ્રદેશોમાં અનરાધાર
વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓનો સિલસિલો જારી છે. જેમાં આજે જમ્મુનાં કિશ્તવાડમાં પાડર
વિસ્તારમાં આભ ફાટયું હતું. અહીં મચૈલ માતાનાં મંદિર નજીક જ કુદરતનાં કહેરમાં સર્જાયેલા
જળપ્રલયમાં કમસેકમ 40 લોકોનાં મૃત્યુ નીપજ્યા છે અને હજી 200થી વધુ લાપતા છે. આમાં
120 વધુ લોકો ઘવાયા છે અને પૂરમાં ફસાયેલા પ0 લોકોને ઉગારી લેવામાં આવ્યા છે. આવી જ
રીત કાશ્મીરનાં રાજૌરી અને મેંઢરમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી. તો હિમાચલમાં પણ
તોફાની વરસાદે કહેર મચાવી દીધો છે. વાદળ ફાટવા અને પૂરપ્રકોપની ઘટનાઓમાં શિમલા, લાહોલ
અને સ્પીતિ જિલ્લામાં અનેક પુલ તણાઈ ગયા છે. બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત કુલ 300થી
વધુ રસ્તાઓ બંધ કરવા પડયા છે. શિમલા, કિન્નોર, લાહોલ સ્પીતિ અને કુલ્લુમાં ભારે તબાહી
મચેલી છે. અનેક ઘરો જળસૈલાબમાં તણાઈ ગયા છે અને પુલો તૂટી ગયા છે. જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડ જિલ્લાનાં ચિશોતી ગામમાં
આજે વાદળ ફાટતા ઓચિંતા ભીષણ પૂર આવ્યું હતું
અને તેમાં મચૈલ માતા યાત્રા માર્ગ ધોવાઈ ગયો હતો. આ કુદરતી આફતમાં ફસાયેલા લોકોને ઉગારવા
માટે બચાવદળનાં લોકોને સ્થળ ઉપર પગપાળા જવાની ફરજ પડી હતી. ધાર્મિક યાત્રા માટે લોકો
એકત્ર થયા હતાં અને તેમનાં રોકાણ માટે તંબુઓ લગાડવામાં આવ્યા હતાં. આ સ્થળે જ વાદળ
ફાટવાની ઘટના બનતા 33થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. કેન્દ્રીય મંત્રી ડૉ.જીતેન્દ્ર
સિંહને આ ઘટનાની જાણકારી મળ્યા બાદ તેમણે સ્થાનિક પ્રશાસનને તાબડતોબ બચાવ કામગીરી હાથ
ધરવા માટે સૂચનાઓ આપી હતી.
જમ્મુનાં
અનેક જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે તોફાની વરસાદ પડી રહ્યો હતો પણ કિશ્તવાડમાં
આ મુશળધાર વરસાદ વચ્ચે ચિશૌતીમાં વાદળ ફાટી પડતા પૂર આવી ગયું હતું અને મચૈલ માતાની
યાત્રાનાં શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવીને તણાઈ ગયા હતાં. યાત્રા માટે લાગેલા લંગર અને
તંબુઓ આ ભયંકર પૂરમાં તણાવા લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને સંખ્યાબંધ લોકોએ સલામત
સ્થાને પહોંચીને જીવ બચાવ્યા હતાં.
જમ્મુ-કાશ્મીરની
જેમ હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાએ આભમાંથી આફત વરસાવી હોય તેવી હાલત છે. લાહોલ-સ્પીતિ
જિલ્લાની મયાડ ઘાટીનાં કરપટ, ચાંગુત અને ઉદગોસ નાળા વાદળ ફાટવાનાં કારણે આવેલા ઓચિંતા
પૂરમાં બે પુલ તણાઈ ગયા હતાં. કરપટ ગામ ઉપર ખતરો ધ્યાને લેતા આખું ગામ ખાલી કરાવીને
લોકોને સલામત જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતાં. હિમાચલમાં કુલ મળીને 300 જેટલા માર્ગો
બંધ કરી નાખવામાં આવ્યા છે. હવામાન વિભાગે ચંબા, કાંગડા અને મંડીમાં ભારે વરસાદની ચેતવણી
પણ જારી કરેલી છે.