હરિયાણાની
ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ ઉથલી ગયું : હારેલા જાહેર થયેલા ઉમેદવારની જીત
નવી
દિલ્હી, તા. 14: દેશમાં અત્યારે મતદાર યાદીમાં ગોટાળાનાં વિપક્ષનાં આરોપોનાં કારણે
રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે. બીજીબાજુ લગભગ દરેક ચૂંટણીનાં પરિણામો બાદ વિપક્ષો દ્વારા
ઈવીએમ સામે પણ શંકા અને સવાલો ઉઠાવવામાં આવતા રહે છે. આ સ્થિતિ વચ્ચે આજે દેશમાં પહેલીવાર
સુપ્રીમ કોર્ટે ઈવીએમ મશીન અદાલતનાં પરિસરમાં મચાવીને હરિયાણાનાં પાનીપત જિલ્લાનાં
બુઆના લાખૂ ગ્રામ પંચાયતની ચૂંટણીની ફેર મતગણતરી કરાવી હતી અને આ પુનર્ગણના બાદ ચૂંટણીનું
પરિણામ પલટાઈ ગયું હતું.
સુપ્રીમ
કોર્ટનાં પરિસરમાં ઈવીએમની ફરીથી મતગણતરી બાદ મોહિત કુમારને ચૂંટાયેલા સરપંચ જાહેર
કરી દેવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, પંચાયતનું આ ચૂંટણીનાં પરિણામ 2 નવેમ્બર
2022નાં રોજ જાહેર થયા હતાં અને તેમાં કુલદીપસિંહને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.
આ પરિણામને પડકારતા મોહિત કુમારે પાનીપત ચૂંટણી લવાદમાં અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યુનલે
બૂથ નંબર 69ની ફરીથી મતગણતરીનો આદેશ આપેલો પણ 1 જુલાઈ 2025નાં રોજ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે
ટ્રિબ્યુનલનો આદેશ રદ કરી દીધો હતો. ત્યારબાદ મોહિત કુમારે સુપ્રીમ કોર્ટનો દરવાજો
ખટખટાવ્યો હતો અને ત્યાંથી તેઓ કેસ અને ચૂંટણી બન્નેમાં વિજેતા ઉપસી આવ્યા છે.