• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ઓપરેશન સિંદૂરના વીરોને મળશે વીર ચક્ર

વાયુસેનાના નવ અધિકારીને એનાયત થશે દેશનો ત્રીજો સૌથી મોટો સૈન્ય એવોર્ડ : 1090 કર્મીને વીરતા અને સેવા પદકથી એનાયત થશે

નવી દિલ્હી, તા. 14 : ભારત સરકાર ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાનોને મોટું સન્માન આપશે. જાણકારી અનુસાર સરકાર ભારતીય વાયુ સેનાના નવ અધિકારીને વીર ચક્ર એનાયત કરશે. સરકાર તરફથી 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ વીર ચક્રનું એલાન કરવામાં આવ્યું હતું. વીર ચક્ર ભારતમાં ત્રીજો સૌથી મોટો સૈન્ય એવોર્ડ છે. જેને ધરતી, જળ અને આકાશમાં દુશ્મન સામે અસાધારણ પ્રતિભા બતાવવા માટે એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વતંત્રતા દિવસ 2025 ઉપર દેશના વીરો અને સેવામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે 1090 પોલીસ, ફાયરબ્રિગેડ અને સિવિલ ડિફેન્સ અને સુધાર સેવાના કર્મચારીઓને વીરતા અને સેવા પદક આપવાની ઘોષણા કરી છે. આ સન્માન એવા લોકોને મળશે જેઓએ દેશની સેવામાં બહાદુરી અને સમર્પણનો પરિચય આપ્યો છે.

ગૃહ મંત્રાલય અનુસાર કુલ 233 કર્મચારીને વીરતા પદક પ્રદાન કરવામાં આવશે. જેને મેડલ ઓફ ગેલેન્ટ્રી પણ કહેવામાં આવે છે. જેમાં 226 પોલીસ, છ ફાયરબ્રિગેડ કર્મચારી અને એક હોમ ગાર્ડ કર્મચારી સામેલ છે. વીરતા પદક એને એનાયત કરવામાં આવે છે જેણે જીવન અને સંપત્તિ બચાવવા, અપરાધ રોકવા અને અપરાધીઓને પકડવામાં અસાધારણ સાહસ બતાવ્યું હોય. ચાલુ વર્ષે વિજેતાઓમાં 152 જમ્મુ કાશ્મીર, 54 વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્ર અને ત્રણ પૂર્વોત્તર તેમજ 24 અન્ય ક્ષેત્રના કર્મચારી સામેલ છે.

કુલ 99 રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા પદક એટલે કે પ્રેસિડેન્ટ મેડલ ફોર ડિસ્ટિંગ્વિસ્ટ સર્વિસ આપવામાં આવશે. આ સન્માન સેવામાં વિશેષ ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવતા કર્મચારીઓને આપવામાં આવે છે. જેમાં 89 પોલીસ, પાંચ ફાયર બ્રિગેડ, ત્રણ સિવિલિ ડિફેન્સ, બે સુધાર સેવાના કર્મચારી સામેલ છે. 758 કર્મચારીને સરાહનીય સેવા પદક એટલે કે મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસથી સન્માનિત કરવામાં આવશે. જેમાં 635 પોલીસ, 51 ફાયરબ્રિગેડ, 41 સિવિલ ડિફેન્સ અને 31 સુધાર સેવાના કર્મચારી સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક