રાજકોટના
પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે મેળો ખુલ્લો મુકાતા જ મહાલવા પહોંચેલો માનવ મહેરામણ
હિલોળે ચડયો
પહેલીવાર
રેસકોર્સની 70 હજાર ચો.મી.માંથી 46 હજાર ચો.મી. જગ્યા ખાલી રખાતા લોકો સરળતાથી મેળામાં
મહાલી શકશે
રાજકોટ,
તા.14 : જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે રાજકોટના રેસકોર્સમાં પાંચ
દિવસ યોજાનાર શૌર્યનું સિંદૂર લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની
ઝલક દર્શાવતા આ લોકમેળાનું ઉદ્ઘાટન રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના
હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. જેની સાથે મેળો મહાલવા પહોંચેલું માનવ મહેરામણ
હિલોળે ચડયું હતું. આ પ્રસંગે કલેક્ટર ડો.ઓમ પ્રકાશે ઉદ્બોધન કરી લોકમેળાના ઈતિહાસ
પર પ્રકાશ પાડયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેકટર એ.કે.ગૌતમ,
પ્રાંત અધિકારી ચાંદની પરમાર ઉપરાંત સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. લોકમેળાના
ઉદ્ઘાટન બાદ તુરંત જ અઘોરી ગ્રુપે કાર્યક્રમ રજુ કરી જમાવટ કરી દીધી હતી. અઘોરી ગ્રુપનું
પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ મેળામાં લોકોના આનંદ માટે રમકડાં, ખાણીપીણી,
આઈક્રીમ, હેન્ડીક્રાફટના 200થી વધુ સ્ટોલ છે. ચકડોળ વિના મેળાની મોજ અધૂરી ગણાય છે
ત્યારે 50 જેટલા નાના મોટા ફજર-ફાળકામાં લોકો પરિવારના સભ્યો સાથે મળીને આનંદ માણી
શકશે. રેસકોર્સની આશરે 70 હજાર ચોરસ મીટર જગ્યામાંથી
23 હજાર ચોરસ મીટર વિસ્તારનો જ ઉપયોગ કરી બાકી 46 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી રાખવામાં
આવી છે. ફ્રી મૂવમેન્ટ માટે પહોળા રસ્તાઓ તથા રાઈડ્સ વચ્ચે જગ્યા રાખવામાં આવી છે.
જેના કારણે લોકો વધુ સરળતાથી મેળામાં મહાલી શકશે.
ઉલ્લેખનીય
છે કે, ગત વર્ષે ભારે વરસાદના કારણે લોકમેળો રદ્દ કરવામાં આવ્યો હતો. જેના કારણે મેળાની
રંગત લોકો માણી શક્યાં નહોતા. આ વખતે મેળાને મહાલવા માટે નગરજનોમાં અનેરો થનગનાટ છવાયો
છે. આજે લોકમેળો ખુલ્યો મુકાતા જ મેળાને મહાલવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી
પડી હતી.