• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સૌરાષ્ટ્રભરમાં આનંદોત્સવ, કાલે શહેરથી લઈ ગામે ગામ નંદોત્સવ

ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવના વધામણા માટે આયોજન, વિવિધ સંસ્થાઓ-હિન્દુ સંગઠનો દ્વારા રથયાત્રા યોજાશે

રાજકોટ, તા.14 : શ્રાવણ માસ અડધો પૂર્ણ થઈ ગયો છે અને હવે કૃષ્ણ જન્મોત્સની આતુરતાથી પ્રતિક્ષા છે. રજાનો માહોલ છે અને તેમાંય તા.16ના નંદોત્સવને લઈ શહેરથી લઈ ગામે ગામ આનંદોત્સવ જેવો માહોલ છે. ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવના વધામણા માટે આયોજન થયા છે.

પોરબંદરના ઈસ્કોન દ્વારા સાંજે 6:0 કલાકથી ઉજવણી થશે. જેમાં તુલસી આરતી, ગૌર આરતી, કીર્તન, છપ્પનભોગ, મહાભિષેક યોજાશે, રાત્રે 12 વાગ્યે નંદ મહોત્સવની ઉજવણી થશે.

ગોંડલના ભોજરાજપરામાં જલારામ મંદિરે સવારથી શ્રીકૃષ્ણલીલાના દર્શન, બાલગોપાલનો ઝૂલો, મટકી ફોડ ઉત્સવ, મહાઆરતી, સાંજે 10 વાગ્યે રાસ-ગરબા અને રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયું છે.

જામકંડોરણામાં સવારે 8 વાગ્યે રામ મંદિરથી રથયાત્રા શરૂ થઈને વિવિધ વિસ્તારોમાં ફરીને નગર નાકાએ પૂર્ણ થશે. જેમાં વિવિધ યૂવક મંડળ દ્વારા ધાર્મિક સંસ્કૃતિની ઝાંખી કરાવતા ફ્લોટ રજૂ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન મટકીફોડનો કાર્યક્રમ યોજાશે.

જસદણની શ્રીનાથજીની હવેલીમાં વહેલી સવારે 5:30 કલાકે પંચામૃતના દર્શન, બાદમાં શૃંગાર તથા તિલક દર્શન યોજાશે. રાત્રે 9 કલાકે ઉત્થાપન દર્શન, રાત્રે 10 કલાકે શયન દર્શન, 11 કલાકે જાગરણ દર્શન તથા રાત્રે 12:30 કલાકે પંચામૃતના દર્શન યોજાશે. જન્માષ્ટમીના બિજા દિવસે સવારે 8 કલાકે નંદ મહોત્સવ યોજાશે.

જામનગરમાં 18 વર્ષથી નીકળતી શોભાયાત્રા આ વર્ષે વિશિષ્ટ આયોજન સાથે ખીજડા મંદિરેથી નીકળવાની છે. જેમાં 25 જેટલા ફ્લોટ્સ જોડાશે. રૂટમાં મટકી ફોડના કાર્યક્રમ યોજાશે. હવાઈ ચોક ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે અને ધર્મ પ્રેમીઓ રાસ ગરબા યોજીને કૃષ્ણ ભક્તિના રંગે રંગાશે. તાલુકાના ફલ્લા ગામે વિહિપ તથા બજરંગદળ દ્વારા શોભાયાત્રા યોજાનાર છે, જે તપેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે અને ત્યાં મટકીફોડ, રાસમંડળી યોજાશે. રાત્રે રણછોડરાયજીના મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને તપેશ્વર મહાદેવ  મંદિરે મેળો ભરાશે. મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા યોજાશે. શહેરના દરેક ચોક ભગવાન શ્રી કૃષ્ણના વધામણા માટે શણગારવામાં આવ્યા છે. જન્માષ્ટમીની શોભાયાત્રા સ્ટેશન રોડ પરના જડેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન થશે જે વિવિધ વિસ્તારમાં ફરીને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે. શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ તૈયાર કરી વાહનો સાથે હિંદુ સંગઠનો જોડાશે તેમજ યુવાનો અંગ કસરતના દાવ કરી બહેનો રાસ ગરબે રમી જન્માષ્ટમીની ઉજવણી કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક