• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

બલૂચિસ્તાનમાં બગાવત : પાક. સેના ઉપર ભીષણ હુમલા

ઈસ્લામાબાદ, તા.31: પાકિસ્તાનમાં બલૂચિસ્તાનમાં હાલત બેકાબૂ બની ગઈ છે. બલૂચ લિબરેશન આર્મી(બીએલએ) દ્વારા ઓપરેશન હેરોફ-2.0ની ઘોષણા કરવામાં આવ્યા બાદ સમગ્ર પ્રાંત રણભૂમિમાં તબદિલ થઈ ગયો છે. જેમાં છેલ્લા 12 કલાકમાં બલૂચિસ્તાનનાં 12 મોટા શહેરોમાં બલૂચ વિદ્રોહીઓ તરફથી પાક. સેના અને સરકારી વિભાગોને નિશાન બનાવીને ભીષણ હુમલા થયા છે અને ગોળીબાર, વિસ્ફોટ અને સુરક્ષા ઠેકાણાઓ ઉપર કબ્જાની ઘટનાઓથી સમગ્ર પ્રદેશ થરથરી ઉઠયો છે અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

આ બગાવતમાં સૌથી વધુ પ્રભાવિત પ્રદેશનું પાટનગર ક્વેટા બન્યું છે. અહીં શહેરમાં ઠેરઠેર ગોળીબાર અને ધડાકા પડઘાઈ રહ્યાં છે. બલૂચ વિદ્રોહીઓએ સરિયાબ પોલીસ સ્ટેશન અને બાઈપાસ પોલીસ ચોકી ઉપર કબ્જો કરી લીધી હતો. ત્યારબાદ ક્વેટાની તમામ હોસ્પિટલોમાં પણ આપાતકાલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત એગ્રીકલ્ચર કોલોની સ્થિત સૈન્ય છાવણી પાસે પણ ભીષણ ઘર્ષણ ચાલી રહ્યું છે. પાકિસ્તાની સેનાનાં હેલિકોપ્ટર પણ એકધારા ગિશ્ત લગાવી રહ્યાં છે. આવી જ રીતે નસીરાબાદનાં નુશ્કીમાં પણ હાલત ગંભીર છે. અહીં બીએલએનું નિયંત્રણ થઈ ગયું છે અને આઈએસઆઈ તથા પાક. સેનાનાં કેમ્પ ઉપર ભારે ગોળીબાર થઈ રહ્યાં છે. વ્યૂહાત્મક  રીતે મહત્ત્વપૂર્ણ ગ્વાદર બંદર પણ આ ઘર્ષણની ચપેટમાં આવી ગયું છે. અહીં ગુપ્તચર એજન્સીઓનાં વડામથકો અને હોટેલો ઉપર હુમલા થયા હતાં. બલૂચિસ્તાનમાં રેલવે સેવાઓને બેમુદ્દતી અટકાવી દેવામાં આવી છે. અનેક શહેરોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ નેટવર્ક ઠપ થઈ ગયા છે

ઇ-પેપરના નવા શુલ્ક