દેહરાદૂન, તા. 31 : કેદારનાથ ધામમાં હવે દર્શન દરમિયાન મોબાઇલ ફોન અને કેમેરાના
ઉપયોગ
ઉપર પૂરી રીતે રોક લાગવા જઈ રહી છે. મંદિર પરિસરમાં ફોટો, વીડિયો કે રીલ બનાવવાના મામલામાં સતત થઈ
રહેલા
વધારાને ધ્યાને રાખીને બદ્રી-કેદાર મંદિર સમિતિ અને રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસન મળીને
સખત કાર્યયોજના તૈયાર કરી રહ્યા છે. નવી વ્યવસ્થા લાગુ થયા બાદ શ્રદ્ધાળુઓને મંદિરમાં
મોબાઇલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને નિયમ તોડવામાં આવે તો દંડ કરવામાં
આવશે.
દર
વર્ષે લાખો શ્રદ્ધાળુ બાબા કેદારના દર્શન માટે ધામ પહોંચે છે. જો કે છેલ્લાં અમુક વર્ષમાં
મંદિર પરિસરની અંદર મોબાઇલ ફોનના ઉપયોગ, ફોટો ક્લિક કરવો અને સોશિયલ મીડિયા રીલ બનાવવાની
ઘટનામાં ભારે વૃદ્ધિ નોંધાઈ છે. જેનાથી મંદિરની પરંપરા અને ગરીમા પ્રભાવિત થવાની સાથે
સાથે દર્શન માટે લાઇનમાં રહેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ અસુવિધા થાય છે. ઘણી વખત ભીડનો
પ્રવાહ બાધિત થતો હતો અને સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ અસર જોવા મળે છે. આ જ કારણોથી હવે
કડકાઈથી નિયમો લાગુ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે.