(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,
તા.31 : રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી
છે. હવામાન નિષ્ણાતોની નવી આગાહી મુજબ, આગામી
દિવસોમાં ગુજરાત માં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવા જઈ રહ્યો છે, જેની સીધી
અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે.
આ પશ્ચિમી
વિક્ષેપને કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને મેદાની વિસ્તારોમાં
વરસાદ પડી શકે છે. તેની અસરમાં ગુજરાતમાં પણ 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં મોટો પલટો
જોવા મળશે. રાજ્યના આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સામાન્ય પવન પણ ફૂંકાઈ
શકે છે. ખાસ કરીને 4થી 8 ફેબ્રુઆરી અને ફરી પાછો 12 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો
જોવા મળી શકે છે.
આગાહી
મુજબ, ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં હળવો કમોસમી
વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત
પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટાછવાયા છાંટા અથવા હળવો વરસાદ પડી
શકે છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને સુરત જેવા શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ
રહેવાની સાથે કમોસમી વરસાદની સંભાવના નકારી શકાય તેમ નથી. આનો અર્થ એ છે કે ફેબ્રુઆરીનો
પૂર્વાર્ધ મિશ્ર વાતાવરણ અને કમોસમી વરસાદી માહોલ વચ્ચે પસાર થશે.
ખેડૂતોએ
પાક માટે સાવચેતી રાખવી
કમોસમી
વરસાદની આ આગાહીને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ખેતીના પાકો જેવા કે જીરું,
વરિયાળી, રાયડો અને ઘઉંના પાક પર આ વાતાવરણની માઠી અસર પડી શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં
આવી છે કે, ખેતરમાં કાપણી કરેલો તૈયાર પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો, ખુલ્લા માર્કાટિંગ
યાર્ડમાં માલ લાવતા પહેલા સાવચેતી રાખવી, ઉભા પાકમાં જીવાત કે રોગચાળો ન ફેલાય તે માટે
કૃષિ નિષ્ણાતોની સલાહ મુજબ પાક સંરક્ષણના પગલા લેવા.