મોદી સરકારના 100 દિવસ પૂરા થવા
પહેલાં કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર : વચનો પાળવામાં નિષ્ફળ
નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની સરકારના 100 દિવસ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ત્રીજા કાર્યકાળની
મોદી સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસે ગુરુવારે જણાવ્યું, 95 દિવસે ડગમગી રહેલી સરકાર
તેના પ્રથમ 100 દિવસના એજન્ડાનાં વચનો પાળવામાં નિષ્ફળ રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગેએ સાત મુખ્ય ક્ષેત્રના ઉલ્લેખ સાથે આરોપ મૂક્યો હતો કે, સરકાર રાષ્ટ્રીય સુરક્ષાથી
માંડીને આર્થિક સ્થિતિ અને શાસન સંબંધી ખામીઓ દૂર કરવામાં નાકામ રહી છે.
ઉલ્લેખનીય છે કે, 17મી સપ્ટેમ્બરના
મોદી સરકાર ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા કરશે. એ જ?દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો
74મો જન્મદિવસ પણ છે.
ગરીબ, મધ્યવર્ગની કમર તોડી નાખે
તેવું જનવિરોધી બજેટ લવાયું, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં દેશના જવાનો શહીદ થયા,
16 મહિનાથી મણિપુર સળગે છે, પણ મોદીજીએ એ તરફ વળીને જોયું પણ નથી, તેવા પ્રહારો ખડગેએ
કર્યા હતા.
મહાકૌભાંડમાં સેબી વડાની ભૂમિકાથી
ભાજપ પીછો છોડાવી નહીં શકે. નીટ પેપર લીક કૌભાંડ, બેરોજગારી... દરેક મોરચે સરકારે યુવાનોને
દગો દીધો છે. તેવા પ્રહાર કોંગ્રેસ અધ્યક્ષે કર્યા હતા. નવી સંસદ, રામમંદિર, પુલ, સડક,
સુરંગ જે પણ બનાવવાનો દાવો કર્યો, તેમાં ખામીઓ નીકળી, રાજ્યોને પૂરતી પૂરરાહત પણ નથી
અપાઈ, તેવા આરોપ તેમણે મૂક્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, જનતા અને ‘ઈન્ડિયા’
જોડાણના પક્ષોનાં કારણે વકફ વિધેયક જેપીસીને સોંપવો પડયો.