• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કેજરીવાલ જેલમુક્ત, મુખ્યમંત્રી ‘કેદ’!

103 દિવસનાં જેલવાસ પછી સુપ્રીમમાંથી જામીન, પણ આકરી શરતોને આધીન : મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય નહીં જઈ શકે, કોઈપણ દસ્તાવેજો ઉપર સહી કરવાનીય મનાઈ

જામીન મંજૂર કરતાં સુપ્રીમ કોર્ટે તેજાબી ટકોર કરતાં કહ્યું, CBIએ સાબિત કરવું જોઈએ કે તે પિંજરામાં કેદ પોપટ નથી

હરિયાણાની ચૂંટણી પહેલા જ કેજરીવાલ બહાર આવી જતાં આપ ગેલમાં : સત્યનો વિજય ગણાવી મીઠાઈઓ વહેંચાઈ : ભાજપે ઉઠાવી રાષ્ટ્રપતિ શાસનની માગ

નવીદિલ્હી, તા.13: દિલ્હીનાં એક્સાઈઝ નીતિ કૌભાંડમાં આખરે 103 દિવસ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલને રાહત આપતાં સીબીઆઈનાં કેસમાં નિર્ણયમાં નિયમિત પણ આકરી શરતોને આધીન જામીન મંજૂર કરી દીધા હતાં. સર્વોચ્ચ અદાલતે 10 લાખ રૂપિયાનાં મુચરકા અને બે જામીન રાશિ ઉપર જામીન મંજૂર કર્યા છે. કેજરીવાલનાં જામીનનો ચુકાદો આપતા કોર્ટે સીબીઆઈનાં ઈરાદા સામે શંકા દેખાડવા સાથે તેજાબી ટકોર પણ કરી હતી કે, કેન્દ્રીય એજન્સીએ પુરવાર કરવું જોઈએ કે તે પિંજરામાં કેદ પોપટ નથી. કેજરીવાલને મળેલા જામીનની શરતો અનુસાર તેઓ મુખ્યમંત્રી તરીકે કાર્યાલય કે સચિવાલય જઈ નહી શકે અને અનિવાર્ય ન હોય ત્યાં સુધી કોઈ દસ્તાવેજ ઉપર સહી પણ કરી શકશે નહીં. આ કેસ ઉપર કોઈપણ ટિપ્પણી પણ નહીં કરે અને કોઈપણ સાક્ષીને પણ મળી શકશે નહીં. તેઓ આ કેસ સંબંધિત કોઈ દસ્તાવેજો પણ તપાસી નહીં શકે.

આ પહેલા ઈડીનાં કેસમાં કેજરીવાલને જામીન મળી ગયેલા હોવાથી આજે સીબીઆઈનાં કેસમાં પણ જામીન મંજૂર થઈ જતાં તેમની મુક્તિનો માર્ગ મોકળો થઈ ગયો હતો. સાંજ સુધીમાં સુપ્રીમ કોર્ટનો આદેશ તિહાડ જેલ પહોંચી ગયો હતો અને કેજરીવાલ જેલમાંથી બહાર આવતાં આપે વાજતે-ગાજતે  તેમનું સ્વાગત કર્યુ હતું. હરિયાણાની ચૂંટણી પહેલા જ શરાબ નીતિ કૌભાંડમાં કેજરીવાલને જામીન મળી જતાં આમઆદમી પાર્ટી ગેલમાં આવી ગઈ હતી. મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ અને આતિશી સહિતનાં આપ નેતાઓએ જશ્ન મનાવતા મીઠાઈઓ વહેંચી હતી અને આ ચુકાદાને સત્યનો વિજય ગણાવ્યો હતો. જો કે કેજરીવાલ ઉપર મૂકાયેલી આકરી શરતો મુદ્દે હુમલો બોલાવતા ભાજપે તેમને જામીનવાળા મુખ્યમંત્રી ગણાવ્યા હતાં અને કોઈપણ સત્તા ન હોય તેવા મુખ્યમંત્રીનાં કારણે પ્રશાસન ખોરવાઈ જવાની ચિંતા વ્યક્ત કરીને રાષ્ટ્રપતિ શાસનની માગણી પણ ઉઠાવી હતી.

જો કે સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી ધરપકડને પડકારતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટનાં બન્ને ન્યાયધીશ સૂર્ય કાંત અને ઉજ્જવલ ભુઈયાએ ભિન્ન ચુકાદા આપ્યા હતાં. ન્યાયમૂર્તિ કાંતે સીબીઆઈ દ્વારા થયેલી કેજરીવાલની ધરપકડની કાર્યવાહીને ન્યાયી ઠરાવી હતી પણ ન્યાયમૂર્તિ ભુઈયાએ આ ધરપકડને બિનજરૂરી ગણાવી હતી. ભુઈયાએ અરજદાર એટલે કે કેજરીવાલને એવી દલીલનો સ્વીકાર કર્યો છે કે, ધનશોધન કેસમાં તેમનાં જામીનને વિફળ કરવા માટે જ સીબીઆઈએ એક પ્રકારે પૂર્વનિર્ધારિત ધરપકડ કરી લીધી હતી.

કેજરીવાલે દિલ્હી આબકારી નીતિનાં કથિત કૌભાંડ સંબંધિત સીબીઆઈનાં કેસમાં જામીનની માગ કરી હતી અને ધરપકડને પણ પડકારી હતી. સર્વોચ્ચ અદાલતે તેમની અરજી ઉપર પ સપ્ટેમ્બરે સુનાવણી પૂરી થયા પછી આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. આ કેસમાં જ ઈડીએ દાખલ કરેલા ગુનામાં કેજરીવાલને 12મી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતાં. હવે સીબીઆઈનાં કેસમાં પણ જામીન મંજૂર થઈ જતાં કેજરીવાલની જેલમુક્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ પણ 26મી જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી.

જસ્ટિસ કાંતે કેજરીવાલની બન્ને અરજી ઉપર ચુકાદો આપતા કહ્યું હતું કે, અદાલતમાં રજૂ થયેલા તર્કોનાં આધારે ત્રણ પ્રશ્ન તૈયાર કરવામાં આવ્યા છે. શું ધરપકડ ગેરકાયદેસર હતી ? શું અપીલકર્તાને જામીન આપવા જોઈએ? શું આરોપનામું દાખલ કરવાનાં સમયે સ્થિતિ એટલી બદલી છે કે, મામલો ખટલા અદાલતમાં મોકલી શકાય? જસ્ટિસ કાંતે સીબીઆઈ તરફથી કરવામાં આવેલી ધરપકડની કાર્યવાહીને યોગ્ય ઠરાવી હતી અને કહ્યું હતું કે, જામીન સ્વતંત્રતાનો મુદ્દો છે. લાંબો સમય જેલવાસ અન્યાય બરાબર છે માટે જામીન મળવા જોઈએ.

તો જસ્ટિસ ભુઈયાએ કહ્યું હતું કે, ધરપકડની આવશ્યકતા અને તેનાં સમય ઉપર એક વિશિષ્ટ દૃષ્ટિકોણ છે માટે જામીન ઉપર મુક્તિ સાથે હું સહમત છું. એવું પ્રતીત થાય છે કે, આરોપીને નિયમિત જામીન આપવામાં આવ્યા બાદ સીબીઆઈ સક્રિય થઈ હતી અને ધરપકડની માગણી કરી લીધી હતી. ઈડીનાં કેસમાં આરોપીની મુક્તિનાં સમયે જ કેજરીવાલની ધરપકડ માટે સીબીઆઈએ કરેલી ઉતાવળ ગળે ઉતરે તેવી નથી. સીબીઆઈનો હેતુ ઈડીનાં મામલામાં જામીનમાં વિક્ષેપ ઉભો કરવાનો હતો. સીબીઆઈએ એવી ધારણા પણ દૂર કરવી જોઈએ કે તે પિંજરામાં કેદ પોપટ છે. તેને સાબિત કરવું જોઈએ કે તે આવો પોપટ નથી. કેજરીવાલનાં ગોળગોળ જવાબોનો હવાલો આપીને ધરપકડ કરી લેવી યોગ્ય નથી.

કેજરીવાલનાં જામીન મંજૂર થતાં વિપક્ષનાં ઈન્ડિયા ગઠબંધનનાં નેતાઓએ પણ ચુકાદાને આવકારતી પ્રતિક્રિયાઓ આપી હતી અને આને સંવિધાનની જીત ગણાવી હતી. યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સુપ્રીમનાં ફેંસલા ઉપર ખુશી પ્રગટ કરીને ભાજપ ઉપર નિશાન સાધ્યું હતું.

--------

જેલમાંથી બહાર આવીને કેજરીવાલે કહ્યું, મારી શક્તિ 100 ગણી વધી

નવી દિલ્હી, તા. 13 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલે જેલની બહાર આવીને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. જેમાં કહ્યું હતું કે, પોતે સાચા છે એટલે ભગવાને સાથ આપ્યો છે. જેલની બહાર આવીને તેમની શક્તિ 100 ગણી વધી ગઈ છે. તેનું જીવન દેશને સમર્પિત છે. જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે પણ દરેક વખતે ભગવાને સાથ આપ્યો છે કારણ કે પોતે સાચા છે. કેજરીવાલે આગળ કહ્યું હતું કે તેઓ કહેવા માગે છે કે તે જેલની બહાર આવી ગયા છે અને જુસ્સો 100 ગણો વધી ગયો છે. જેલના સળિયા કેજરીવાલના જુસ્સાને કમજોર કરી શકે નહી.

--------

કેજરીવાલની જામીનથી હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી અસર થશે ?

 આનંદ કે.વ્યાસ

નવી દિલ્હી, તા.13 : નવી દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પક્ષના પ્રમુખ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અપાયા બાદ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની અને દિલ્હીમાં સત્તા જાળવી રાખવાની પક્ષની મહેચ્છાને વેગ મળ્યો છે. હરિયાણામાં કોંગ્રેસ સાથે બેઠક વ્હેંચણીમાં થયેલી ખેંચતાણ બાદ કેજરીવાલ હવે જેલમાંથી બહાર આવ્યા બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધી ગયો છે. જો કે આમ આદમી પક્ષ હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે તમામ 90 બેઠકો ઉપર મેદાનમાં ઉતરવાની છે. બેઠક વ્હેંચણીની ચર્ચા દરમિયાન આમ આદમી પક્ષે કોંગ્રેસ પાસે વધુ બેઠકો માગી હતી અને ત્યારબાદ કોંગ્રેસનો કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. હરિયાણાની ચૂંટણીમાં કેજરીવાલ બહાર આવ્યા બાદ કોંગ્રેસને કોઇપણ ફરક નહીં પડે એવી પ્રતિક્રિયા કોંગ્રેસ પ્રવકતાઓએ આપી છે. નવી દિલ્હી અને પંજાબના પાડોશમાંના હરિયાણામાં કેજરીવાલ પ્રચારસભાઓ યોજશે ત્યારે કોંગ્રેસ તેમ જ ભાજપને મહદઅંશે ફરક પડશે.

આવતા વર્ષે દિલ્હીમાં ચૂંટણી યોજાવાની છે એવામાં કેજરીવાલના જામીન મંજૂર થતા આમ આદમી પક્ષ બમણાં જોશથી ચૂંટણીની કામગીરીમાં લાગશે. આમ આદમી પક્ષના હરિયાણાના પ્રવકતા સુશીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે પક્ષ પ્રમુખ ચૂંટણી પ્રચારમાં જોડાશે અને હરિયાણાના લોકોને બદલાવ જોઇએ છે. પક્ષ પ્રમુખ જેલની બહાર આવતાં જ અમારામાં નવો જોશ અને ઉત્સાહ ઉમેરાયો છે. ટૂંક સમયમાં જ હરિયાણામાં કેજરીવાલ પ્રચાર સભાઓ યોજશે.

મનીષ સિસોદિયાને જામીન મળ્યાના સપ્તાહ બાદ આપ પ્રમુખના જામીન મંજૂર કરાયા છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે કેજરીવાલજીના બહાર આવ્યા બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો નવો સંચાર થયો છે. કોર્ટે પણ આપ પ્રમુખની ધરપકડ બાદ સીબીઆઇ અને ઇડીને ઠપકો અપ્યો છે. એક બાદ એક અમારા નેતાઓને જામીન મળતા તે સાબિત થાય છે કે અમારા નેતાઓ ભ્રષ્ટ નથી. પહેલા સિસોદિયાજી અને હવે કેજરીવાલજીના બહાર આવ્યા બાદ અમારામાં ડબલ એનર્જી આવી ગઇ છે.

આપના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે આ બનાવટી કેસ હતો એ અમે પહેલા દિવસથી કહીએ છીએ. કેજરીવાલની છબી બગાડવામાં સીબીઆઇ સાથે ઇડી પણ જોડાઇ હતી. કેજરીવાલજીને ખોટા કેસમાં ફસાવીને માત્ર જેલમાં રાખવાનો જ તેમનો ઇરાદો હતો. સિસોદિયાએ જણાવ્યું હતું કે કોર્ટનો આદેશ અમારા પક્ષ માટે મોટી રાહત તો નથી પરંતુ સામાન્ય માણસમાં વિશ્વાસ અંકબંધ છે કે બંધારણ જ દેશને બચાવી શકે એમ છે.

દિલ્હી શરાબ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા સીબીઆઇ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલના શરતી જામીન મંજૂર કર્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024