• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

પુતિનની સામે બેસીને NSA ડોભાલે આપ્યો મોદીનો સંદેશ

રશિયન રાષ્ટ્રપતિ સાથે વન ટુ વન વાતચીતમાં ડોભાલે ઝેલેંસ્કી સાથેની બેઠક અંગે આપી જાણકારી : પુતિને કહ્યું, પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે

નવી દિલ્હી, તા. 13 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે ભારતની મધ્યસ્થતાની ચર્ચા વારંવાર દુનિયામાં ઉઠી રહી છે. તેવામાં એનએસએ અજીત ડોભાલે બ્રિક્સ સંમેલન વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સેન્ટ પિટસબર્ગમાં વન ટૂ વન વાતચીત કરી હતી. આ બેઠકની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આગામી મહિને કજાનમાં થનારા બ્રિક્સ સંમેલન દરમિયાન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ રાખ્યો હતો.

પુતિન ડોભાલની બેઠક પીએમ મોદી દ્વારા યુક્રેનની રાજધાની કીવની યાત્રા અને રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે વાતચીતના લગભગ ત્રણ સપ્તાહ બાદ થઈ છે. પુતિન સાથે થયેલી વન ટૂ વન વાતચીતમાં એનએસએ ડોભાલે પુતિનને કહ્યું હતું કે પીએમ મોદીએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું તેમ તેઓ યુક્રેન યાત્રા અને ઝેલેંસ્કી સાથે થયેલી મુલાકાત અંગે જાણકારી આપવા ઉત્સુક હતા. તેઓ ઈચ્છતા હતા કે પોતે પર્સનલી રશિયા જઈને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરે અને વાતચીત અંગે જાણકારી આપે. વાતચીત ખુબ જ ક્લોઝ ફોર્મેટમાં થઈ હતી. જેમાં માત્ર બે નેતા હતા. ઝેલેંસ્કી સાથે બે લોકો હતા અને તેઓ પીએમ મોદી સાથે હતા.

પુતિન અને ડોભાલ સાથેની મુલાકાતને લઈને રશિયા તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિએ ભારતીય નેતાની મોસ્કો યાત્રા દરમિયાન થયેલી સમજૂતીની અમલવારીના પરિણામ  પ્રસ્તુત કરવા અને નજીકના ભવિષ્યની સંભાવનાઓની રૂપરેખા તૈયાર કરવા બ્રિક્સ શિખર સંમેલનના અવસરે 22 ઓક્ટોબરે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ રાખ્યો છે.

એનએસએ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું હતું કે પહેલા કહ્યું તેમ પીએમ મોદીની મોસ્કો યાત્રા ખુબ જ સફળ રહી હતી અને તેના પરિણામ બાદ શરૂ કરવામાં આવેલી કામગીરી પણ એવી જ ગતિએ થઈ રહી છે જેના માટે પીએમ મોદી સાથે સહમતિ બની હતી. કહેવાય છે કે ડોભાલે બેઠકમાં કહ્યું હતું કે ભારત યુક્રેન જંગમાં શાંતિનું સમર્થક છે અને મોદીએ આ સંદેશ લઈને મોકલ્યા છે. આ દરમિયાન પુતિને ધીરજ સાથે એનએસએ ડોભાલની વાત સાંભળી હતી. બાદમાં પુતિને ડોભાલ મારફતે પીએમ મોદીને સંદેશ મોકલાવ્યો હતો અને કહ્યું હતું કે દ્વિપક્ષીય વાતચીત માટે તેઓ પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024